વગર તાંતણે રે વગર દોરીએ, જીવનમાં રે અમે તો લટકી ગયા
હતું પહોંચવું જ્યાં જીવનમાં અમારે રે, અમે તો ત્યાં ના પહોંચી શક્યા - જીવનમાં...
શું કરવું, શું ના કરવું જીવનમાં રે, મથામણમાં અમે ચૂકી ગયા - જીવનમાં...
આગિયાના તેજ પાછળ રહ્યાં દોડતા, તારલિયાના તેજ ચૂકી ગયા - જીવનમાં...
વગર શૂળીએ, વગર શૂળીએ રે જીવનમાં, ખટપટની શૂળીએ ચડી ગયા - જીવનમાં.
વગર લૂંટારુંએ, વગર લૂંટારુંએ, આનંદધનમાં અમે લૂંટાઈ ગયા - જીવનમાં...
વગર ફરિયાદે, વગર ફરિયાદે જીવનમાં, ફરિયાદ અમે કરતા ગયા - જીવનમાં...
યત્નો ખોટાં રહ્યાં કરતા જીવનમાં, ફળ જીવનમાં એના તો ના મળ્યાં - જીવનમાં...
દોઢડહાપણની દાઢો રહી ફૂટતી, પાન ડહાપણના જીવનમાં ના કરી શક્યાં - જીવનમાં...
માયામાં ને માયામાં તો ગૂંથાતા રહ્યાં, દર્શન પ્રભુના જીવનમાં ના થયા - જીવનમાં...
સદ્દગુરુ દેવેન્દ્ર ઘીયા (કાકા)