માડી તારી જ્યોત ઝગમગે, તેજ એના ઝળહળે, હૈયે હૈયે ને જગને ખૂણે ખૂણે પથરાય
તેજ એના તો પથરાય જેના હૈયે, હૈયું એનું તો આનંદને ઉમંગે તો ઊભરાય
ટકે ના હૈયે અંધારા, પહોંચ્યા જ્યાં તેજના ફુવારા, હૈયું તારા તેજમાં જ્યાં ડૂબી જાય
મનની મૂંઝવણો, જીવનમાં નર્તન વિકારોના, ત્યાં તો આપોઆપ શમી જાય
જીવનમાં લોભના ઉછાળા, મારા તારાની તો દીવાલો, ત્યાં તો ઓગળી જાય
પ્રેમના મોજા લે હિલોળા, સદ્ગુણોના ઊછળે મોજા, એમાં ત્યારે તો એ નહાય
ઝીલ્યા ને ઝિલાયા હૈયે તો જ્યાં એકવાર, જીવન એના તો ત્યાં બદલાઈ જાય
સ્પર્શ્યા જ્યાં તેજ તારા રે માડી, દુઃખ દૂર એના થાય, સુખનો સાગર ત્યાં છલકાય
એની નજરે નજરે તો તું વસે, રૂપ તારું તો બધે એને તો દેખાતું જાય
દેખાયું કે મળ્યું જેને તેજ તો તારું, સૂર્ય ચંદ્રના તેજ તો ઝાંખા પડી જાય
સદ્દગુરુ દેવેન્દ્ર ઘીયા (કાકા)