છે છત્ર તારું તો મસ્તકે, છે મસ્તકે છાયા તારી રે માડી
મજાલ નથી ત્યાં સંસાર તાપથી તો મારી પાસે પહોંચવાની
પહોંચે કૃપાનું બિંદુ જ્યાં હૈયે તો મારા, અન્યની કૃપાની જરૂર નથી
તારા પ્રેમની ધારા, વહેતી વહેતી જીવનમાં જ્યાં મારા હૈયે પહોંચી
જીવનમાં રે માડી, અન્યના પ્રેમની ધારાની મને અપેક્ષા નથી
તારા જ્ઞાનની ધારા રહે વહેતી ને વહેતી, હૈયે મારા જ્યાં એ પ્રવેશી
જગમાં અજ્ઞાન અંધકારને, મારા હૈયે પ્રવેશવાની તો મજાલ નથી
મળી જાય જીવનમાં જો દર્શન તારા, ધન્ય એના જેવી બીજી ઘડી નથી
દેવા દર્શન જીવનમાં જ્યારે તું ચાહે, મુહૂર્ત જોવાની એમાં જરૂર નથી
કરશો તમે શું, કરશો તમે કેવું, જાણવું નથી તમે અહિત કરવાના નથી
સદ્દગુરુ દેવેન્દ્ર ઘીયા (કાકા)