જ્ઞાનને હૈયાંની ખરલમાં દેજો એવું ઘૂંટી ઘૂંટી, પડળ એનાં તો એવાં ચડતા જાય
બનવા ના દેજો એને એવું રે સૂકું, જોજો પ્રેમની ધારામાં રહે ભીનું એ તો સદાય
વેર ઇર્ષ્યાના શૂળ જોજો, એને ના સતાવે, રાખજો દૂર એને, એનાથી તો સદાય
ભક્તિભાવનું જળ દેજો એમાં એવું તો ભરી, સંસાર તાપે ના એમાં એ ઊડી જાય
રાખજો મૃદુ જીવનમાં ભલે રે એને, જોજો જીવનની કડવાશમાં જો ના એ સંકોચાય
લોભ લાલચના વળ ચડે ના એના ઉપર, જોજો એને ના એ નીચોવી જાય
નમ્રતાને વિવેકની સુગંધ દેજો એમાં ભેળવી, મહેકતું રાખજો એમાં એને સદાય
રહેશો ઘસતાને ઘસતા જ્ઞાનને સદા જીવનમાં, રહેશે જીવનમાં ચમકતું તો એ સદાય
કરજો ચોખ્ખું જીવનમાં એને તો એવું, હૈયે તેજ એના એમાં પથરાતા જાય
ચડી જાશે જો ધૂળ એના ઉપર એવી, તેજ એના એમાં તો ઢંકાઈ જાય
સદ્દગુરુ દેવેન્દ્ર ઘીયા (કાકા)