દુનિયા ચાલતી આવી છે, એ તો એમ ચાલવાની
છોડી દે કડાકૂટ બધી, તું એને સુધારવાની
બિંદુ-બિંદુ મળી થયો મહાસાગર, વાત છે જાણીતી
વર્ષાની હેલી વરસે એમાં ખૂબ, ખારાશ નથી એની છૂટવાની
બિંદુએ શુદ્ધ થવા, તૈયારી કરવી પડશે, તાપ ઝીલવાની
ઊંચે ઊઠી, શક્તિ મળશે એને, ધરતી પર વરસવાની
બીજા શું કરે છે, શું નથી કરતા, છોડ દૃષ્ટિ એવી જોવાની
શક્તિ તારી ભેગી કર્યા વિના, યત્ન ના કર તું કૂદવાની
ગજા બહાર જો યત્ન કરશે, શક્તિ તારી તૂટવાની
દુનિયા બદલાતી બદલાશે, આયુષ્યની તારી દોરી છૂટવાની
અવતારો આવ્યા ને ગયા, દુનિયાની ચાલ એની એ રહેવાની
સુધરવાની મર્યાદા જ્યારે તૂટશે, કર્તાને જરૂર પડશે પ્રલય કરવાની
સદ્દગુરુ દેવેન્દ્ર ઘીયા (કાકા)