સમાવી શકું તને અને તારા પરિવારને હૈયે રે પ્રભુ,
વિશાળતા એટલી હૈયાંમાં તું આપજે
પ્રેમના આંસુથી પખાળી શકું ચરણ તારા રે પ્રભુ,
હૈયાંમાં પ્રેમના એટલા આંસુ આપજે
કરી શકું અવગુણોને વિદાય હૈયેથી રે પ્રભુ,
જીવનમાં શક્તિ એટલી તો તું આપજે
તારી ને તારી માયાના ભેદ સમજી શકું રે જીવનમાં રે પ્રભુ,
સમજશક્તિ એટલી તો આપજે
રહું ભલે હું જગમાં, લિપ્તિત બન્યા વિના હળું મળું રે જીવનમાં,
અલિપ્તતા એટલી તો આપજે
પકડયો છે પથ તારા દર્શનનો જીવનમાં રે પ્રભુ,
ધીરજમાં ના તૂટું, ધીરજ એટલી તો આપજે
નજરના સ્પર્શે રૂઝવી શકું, દુઃખ દર્દના ઘા, અન્યના હૈયાંના,
કોમળતા નજરમાં એટલી તો આપજે
ભીંજવી શકું જીવનમાં હૈયું તારું રે પ્રભુ, જીવનમાં હૈયાંમાં ભાવ,
એટલા તો તું આપજે
સુખદુઃખ લખ્યું ભલે જે જીવનમાં,
જીવનમાં ભવ્યતા બંનેમાં તો તું આપજે
જીવન તો છે એક નાટકશાળા,
સોંપાયેલું પાત્ર ભજવતા જીવનમાં પાત્રતા તું આપજે
સદ્દગુરુ દેવેન્દ્ર ઘીયા (કાકા)