લાગે જીવનમાં જ્યારે તો તને, જાણ્યું તેં તો ઘણું ઘણું
સમજી લેજે ત્યારે રે તું, જાણકારીના સાગરનું તો તેં એક બિંદુ પીધું
અગાધ જાણકારીના સાગરમાં, રહી જાય છે જાણવાનું તો ઘણું ઘણું
મળ્યા અનેક જન્મો તો તને, જાણવાનું તોયે બાકીને બાકી તો રહ્યું
જાણતો જાશે જીવનમાં, લાગશે ત્યારે, જાણવાનું તો પૂરું નથી થયું
જાણકારીના ઢગલા વધે ભલે, જાણકારીની સીમા પાર નથી કરી શક્યું
જાણકારી કરી ભેગી જીવનમાં, વિસ્મૃતિના સાગરમાં ના એને ઠાલવવું
જાણકારીનો સાગર કરવો પડશે પાર, સમયની સીમામાં રહી પડશે કરવું
જાણી જાણીને તો જીવનમાં, પડશે જીવનમાં ઉપયોગમાં તો એને લેવું
લાગે જીવનમાં ભલે જાણ્યું ઘણું, જીવનમાં ના તો ત્યાં અટકી જાવું
સદ્દગુરુ દેવેન્દ્ર ઘીયા (કાકા)