ઓ બંસરીવાલા રે કાના, સહુના દિલના રે પ્યારા, વગાડજે મીઠી બંસરી તારી
ખીલી ઊઠે મનડાં એમાં અમારાં, જપે નામ એમાં એ તો તારાં ને તારાં
રાધાના પ્યારા, ગોપીઓના વ્હાલા, અરે ઓ જશોદાના નટખટ કાના
છેડજે સૂરો તું તો એવા, ભૂલીએ સાનભાન બધાં અમે એમાં અમારા
એના લયમાં ને એના રે તાનમાં, મળે દર્શન અમને એમાં તારાં ને તારાં
દિનરાત રેલાવો સૂરો બંસરીના જગમાં, ઝીલીને એને ખૂલે હૈયાં અમારાં
લય અને મધુર તાન એના ભુલાવી દે જગમાં, દુઃખો બધાં અમારાં
નાચ્યા ગોપગોપીઓ ગોકુળનાં એમાં, નચાવજે એમાં હવે મનડાં અમારાં
મનમાં ગુંજી ઊઠશે સૂરો જ્યાં બંસરીના, વસી જાશે હૈયામાં અમારા, રાધા પ્યારા
ભૂલી જાશું સાનભાન બધાં અમારાં, ગોકુળના પ્યારા નંદના રે દુલારા
સદ્દગુરુ દેવેન્દ્ર ઘીયા (કાકા)