છે જગમાં કોણ કેટલું સુખી કે દુઃખી, ના કોઈ એ કહી શકશે
કરે છે યત્નો સહુ સુખી થાવા, યાદી સફળતાની ના કોઈ આપી શકશે
નિરાશાના તો આ કાંઈ શબ્દો નથી, વાસ્તવિકતા સહુએ સ્વીકારવી પડશે
સુખી થવું કે રહેવું દુઃખી, આપી છે શક્તિ સહુને સરખી, પ્રભુ કદી આ પૂછશે
શક્તિ વિનાના ઉપાડા તારા, ક્યાં સુધી જીવનમાં એ તો ટકશે
ઇચ્છાઓને રાખીએ ના જો કાબૂમાં, જીવનમાં એ તો વધતી ને વધતી જાશે
રાખશે સંતોષ તો ઇચ્છાઓને કાબૂમાં, સ્થાન હૈયામાં એને તો આપવું પડશે
ઈર્ષ્યાને દઈ આશરો હૈયામાં, સુખી જીવનમાં એમાં તો ના થવાશે
ત્યજી દઈ જીવનમાંથી સરળતાને, જીવનમાં સુખી તો ક્યાંથી થવાશે
સુખી થવાનું છે સહુ સહુના હાથમાં, લઈ રસ્તા ખોટા સુખી ના થવાશે
સદ્દગુરુ દેવેન્દ્ર ઘીયા (કાકા)