વાત કોને જઈને કહીએ, કહેતાં પણ શરમ અનુભવીએ
હાથનાં કર્યાં જ્યાં હૈયે વાગે, કોઠીમાં મોં નાખીને તો રડીએ
ધામે ધામે ના ભક્ત બનીએ, લોભલાલચમાં રઘવાયા ના બનીએ
પડીને મનના બીમાર, તનથી બીમાર પડીએ, એ કોને જઈને કહીએ
મનના ઉપાડા મનમાં સંઘરીને, ના બહાર એને આવવા દઈએ
અંતરની વેદના અંતરમાં સમાતાં, બહાર હસતા ને હસતા રહીએ
વેરઝેરથી હોય ભલે હૈયું ભર્યું, ના મુખ પર એને આવવા દઈએ
છે અંતરનો સાક્ષી અંતરમાં, છેતરવા પણ એને, કોશિશો કરીએ
આવા ને આવા દંભી છીએ અમે, જીવનમાં દંભ ના અમે છોડીએ
દંભી રહ્યા છીએ અને છીએ, આ વાત કોને જઈને અમે કહીએ
સદ્દગુરુ દેવેન્દ્ર ઘીયા (કાકા)