જીવનના સૂરો બેસૂરો જ્યાં બોલ્યા, જીવનસંગીત તો રોળાઈ ગયું
પ્રેમના તારો જ્યાં બોદા બોલ્યા, સ્વપ્નું પ્રેમનું તો ત્યાં તૂટી ગયું
દુઃખદર્દે નાખ્યા ધામા દિલમાં, સ્વપ્નું સુખનું તો ત્યાં ચૂંથાઈ ગયું
અભિમાનની ભઠ્ઠીમાં શેકાયું જ્યાં દિલ, રાખ દિલની એમાં કરી ગયું
નિરાશાઓના ધરતીકંપો ઊઠયા જીવનમાં, હૈયાની ધરતી એ ધ્રુજાવી ગયું
ક્રોધના વાયરા ફૂંકાયા જ્યાં દિલમાં, ઝરણું પ્રેમનું એમાં સુકાઈ ગયું
અકબંધ ના હતા જ્યાં શાણપણના કિલ્લા, લોભ ગાબડું એમાં પાડી ગયું
સુખસમૃદ્ધિના કર્યાં હતા મહેલ ઊભા, દુઃસાહસ એને તો તોડી ગયું
ભરવું હતું ભક્તિના દામનની જીવનને, મુસીબતોનો સામનો ડરાવી ગયું
શ્વાસો સરળતાના ના લેવાયા જીવનમાં, સરળતાનું પગથિયું ચુકાઈ ગયું
સદ્દગુરુ દેવેન્દ્ર ઘીયા (કાકા)