શક્તિ વિના જગ ના ચાલશે, શક્તિ વિના જીવન ના ચાલશે
ડગલે પગલે પડે જરૂર શક્તિની, શક્તિ વિના ડગલું ના ભરાશે
હરેક કાર્ય માગે શક્તિ, શક્તિ વિના કાર્યો અધૂરાં તો રહેશે
હરેક કાર્ય માગે વિચાર, શક્તિ વિના તો ના વિચાર થાશે
દીધો છે સૂર્ય, શક્તિનો સ્ત્રોત તો જગને, ના એ કાંઈ ખૂટશે
વ્હેંચી છે પ્રભુએ ખુદની શક્તિ કુદરતમાં, શક્તિ એમાંથી મળશે
જળમાંથી મળશે જળની શક્તિ, પવન શક્તિ એની દેતું રહેશે
ઝાડપાનમાં ભરી છે એની શક્તિ, માનવ શક્તિ એમાંથી મેળવશે
જગ રહ્યું નથી શક્તિ વિનાનું, ક્યાંય ને ક્યાંયથી શક્તિ પામશે
વિચારો, પ્રાર્થના ઇચ્છામાં છે શક્તિ પ્રભુની, ના ખાલી એમાં કોઈ રહેશે
સદ્દગુરુ દેવેન્દ્ર ઘીયા (કાકા)