ભલે ધાર્યું ધણીનું થાય, મહેનત જીવનમાં ફોગટ ના જાય
કરાવી મહેનત તારી પાસે ને પાસે, ફળ એનું એમાં દેતો જાય
સંજોગોને સર્જક, સર્જી સંજોગો, મહેનતનું ફળ તો એમાં દેતો જાય
વિચારો ને ભાવોના તાંતણા છે એની પાસ, ફળ જરૂર એનું દેતો જાય
દીધું છે તને જેણે શ્વાસોનું દાન, સંભાળશે શ્વાસો તારા એ સદાય
આવ્યો જગમાં કર્મોથી તારાં, ફળ અન્યને એનું કેમ કરીને અપાય
દુઃખદર્દને દઈશ નાખવા ધામા દિલમાં, ધીરે ધીરે એને કોતરી ખાય
છે માલિક એ જગનો, છે માલિક એ તારો, સંબંધ કેમ એના વીસરાય
લીધું હશે નામ એનું મનથી કે કમનથી, જાણી લેશે એ તો સદાય
છે બંધાયેલા હરેક કર્મનું ફળ આપવા, મહેનત તારી ફોગટ નહીં જાય
સદ્દગુરુ દેવેન્દ્ર ઘીયા (કાકા)