એવા કયા બનાવના ભારથી, હૈયું જીવનમાં તો ભારી બન્યું
ખોઈ એની સ્વાભાવિક હળવાશ, ભારે એમાં એ બની ગયું
બનતાને બનતા રહે બનાવો, એવો કયો બનાવ એને ભારે કરી ગયું
ચિંતવ્યું અણચિંતવ્યું બને ઘણું જીવનમાં, અસર આજ શેની લઈ બેઠું
સુખદુઃખના મોજાઓ ઊછળ્યા ઘણા જીવનમાં, ના ત્યારે તો ભારે બન્યું
મોકળા હૈયે લેતું હતું રસ જીવનમાં, શાને ને શેમાં આજે સંકોચાઈ ગયું
અણગમતું જીવનમાં એવું શું બન્યું હૈયું એમાં તો ભારે બન્યું
મનના એવા કયા વર્તને, એવા કયા વિચારે એને ભારે બનાવ્યું
સંદેશા એવા કયા મળ્યા, ના એ સહી શક્યું, ભારે એમાં બન્યું
જઈ જઈ એ કહેશે તો કોને, મનડું તો જ્યાં ફરતું ને ફરતું રહ્યું
સદ્દગુરુ દેવેન્દ્ર ઘીયા (કાકા)