માડી જોયો આજ તારી આંખમાં ચમકારો, છે શું એમાં મને ઇશારો
ચાલ્યો જીવનમાં જ્યાં તારા ઇશારે, છે શું એમાં કોઈ ભૂલનો ઇશારો
સુખદુઃખમાં તો ના હું મૂંઝાણો, મૂંઝાયો જોઈને તારી આંખમાં ચમકારો
વિચારોના તરંગો કરી દીધા ઉંચા એણે, સમજ્યા સાચા એમા કયા વિચારો
ભાવે ભાવે રહ્યાં અર્થો બદલતા, કયા ભાવનો હતો એમા એ ઇશારો
ભૂલોને ભૂલોમાં રહ્યો ફરનારો, કર્યો એમાં કઈ ભૂલનો માડી તેં ઇશારો
અબુધ અજ્ઞાની છું એવો બાળ તારો, સમજી શકું એવો કરજે ઇશારો
મનડાં ને ચિતડાં રહે છે ફરતા મારા, સમજી શકું ક્યાંથી તારો ઇશારો
છે જીવનમાં તો હાલત આવી મારી, લાવતી ના એમાં તારી આંખોમાં ચમકારો
તને સમજવા, પડશે સમજવા ઇશારા તારા, દેજે બુદ્ધિમાં મારા એવો ચમકારો
સદ્દગુરુ દેવેન્દ્ર ઘીયા (કાકા)