તું તો ના બોલે, ના બોલે રે, ના બોલે રે
મૌન તારું ના તોડે રે, તું તો ના બોલે, ના બોલે રે
વહાવીએ ભલે આંસુઓ ઘણાં, કરીએ કાકલૂદી ઘણી તને રે
કહીએ અમે તને ઘણું ઘણું, ઘુણાવે ના કદી ડોકું તારું રે
તોડે ના મૌન તું તારું રે, પડે ધ્રાસકો દિલમાં અમારા રે
જોય ભલે આંસુઓ તું અમારાં, દેખાડે ના આંસુઓ તારાં રે
હોય વાણી કદી દર્દભરી, હોય કદી ભલે રોષ ભરી રે
ભરી આશાઓ બેસીએ સામે તારી, આશા પર પાણી ફેરવે રે
કહીએ તને જગનું કારણ, કારણ મૌનનું ના જણાવે રે
તારાં મુખ પરનું હાસ્ય જોવા, હૈયું અમારું તલસે રે
બન્યા ધન્ય જીવનમાં ભક્ત એ, મૌન તારું જેણે તોડાવ્યું રે
સદ્દગુરુ દેવેન્દ્ર ઘીયા (કાકા)