ખુદને ખુદના બધા વિચારો યાદ નથી, અન્યના વિચારો યાદ ક્યાંથી રહેવાના
ભૂલ્યા જ્યાં જનમો ને જનમોની યાદો જીવનમાં, વિચારો બધા ભૂલી જવાના
અનુભવો કરાવશે જે જે વિચારો જીવનમાં, યાદ જીવનમાં એ તો રહેવાના
મળ્યું શિક્ષણ યાદોનું પરીક્ષા સુધીનું, પછી પાછું બધું એ ભૂલી જવાના
અપાવે યાદો જ્યારે શબ્દોની, શબ્દો વિચારોની યાદો તાજી કરાવવાના
આવી આવી જગમાં ફરી ફરી, સહુ એકડા જગના નવા ને નવા ભણવાના
મળ્યાં ને મેળવતાં રહ્યા નવાં ખોળિયાં, એ એકના રહી, બીજા ભૂલી જવાના
અજબ છે આ કરામત, કરામત કરતી, ભુલાવી યાદો જૂની, નવી યાદ આપવાના
જીરવી શકતા નથી યાદ બધા આ જીવનની, જન્મોની યાદો ક્યાંથી યાદ રાખવાના
ભૂલવામાં ને ભૂલવામાં, ભૂલ્યો છે એ કોણ, સંબંધો એના કર્તા સાથેના
સદ્દગુરુ દેવેન્દ્ર ઘીયા (કાકા)