ક્ષણ ક્ષણની સાથે, છે પરણેલો માનવી, ક્ષણ ક્ષણ ફળ એને દેતું જાય
બદલે ક્ષણમાં વિચાર બદલે આચાર, ક્ષણ ફળ વિના ના ખાલી જાય
ક્ષણે ક્ષણે રાજ કરે માનવી ઉપર, છે માનવી ઉપર વર્ચસ્વ એનું સદાય
ક્ષણ લાગે મોટી, ક્ષણ લાગે નાની, ક્ષણ ક્ષણમાં તો ક્ષણ બદલાય
બદલાતી ક્ષણો સમજાવી રહી માનવને, નથી સ્થાયી આ જગમાં તો કાંઈ
ક્ષણમાં નફો, ક્ષણમાં ખોટ, ક્ષણેક્ષણના રંગ જીવનમાં તો બદલાય
ક્ષણેક્ષણથી બંધાયેલો માનવી, જીવનમાં ક્ષણોથી તોય અજાણ્યો રહી જાય
ક્ષણ લાવશે ઉપાધિ કે મહેરબાની, જીવનમાં ના એ તો કહી શકાય
ક્ષણ ક્ષણનું બનેલું આયુષ્ય જગમાં, ક્ષણમાં તો એ ખતમ થઈ જાય
જીતી ક્ષણો તો જેણે જીવનમાં, ક્ષણ એની તો દાસી બની જાય
સદ્દગુરુ દેવેન્દ્ર ઘીયા (કાકા)