કરવા બેઠો છે જગમાં જીવનના સોદા, જોજે મોંઘા ના એ પડી જાય
ના આંકી કિંમત જીવનની સાચી, સસ્તામાં સોદો જોજે ના થઈ જાય
પળેપળનું બનેલું જીવન, પળેપળ જગમાં શાને તો વેડફતો જાય
આવા આળસના રે સોદા, જોજે જગમાં મોંઘા ના પડી જાય
વેર જગાવી ક્રોધમાં ડૂબી, જીવનની હાલત શાને ખરાબ કરતો જાય
આવા અવિચારોના રે સોદા, જોજે જીવનમાં મોંઘા ના પડી જાય
અનેક વૃત્તિઓ ને ઇચ્છાઓનો છે કેદી, મુક્તિ એ કેદની કિંમત ગણાય
અસહાય બનીને બેસીશ, છૂટશે ના કેદ, જોજે એ મોંઘું ના પડી જાય
સદ્ગુણોથી રહ્યો ભાગતો, રહ્યો અવગુણોના સોદા તો કરતો સદાય
આવા અવગુણોના રે સોદા, જોજે જીવનમાં ના એ મોંઘા પડી જાય
સદ્દગુરુ દેવેન્દ્ર ઘીયા (કાકા)