પાંખ વિનાનું મનડું મારું, અહીં-તહીં ઊડી જાય, અહીં-તહીં ઊડી જાય
તોફાને ચડેલ વાયુ, કાબૂ વિનાનું મન, એ તો તાંડવ સરજી જાય
વાયુની ગતિ છે ભયંકર, વચ્ચે ઝાડ, ખડકના પણ ભુક્કા બોલી જાય
મનની ગતિ પણ છે અનોખી, પળમાં એ તો સૂર્યની પાર પહોંચી જાય
કરોળિયાની જાળની જેમ જાળ રચીને, મનડું એમાં અટવાઈ જાય
અસંગતાનું શસ્ત્ર ધારણ કરીને, એ જાળને ભેદી શકાય
સંયમ કેરી લગામ બાંધજો, શરૂમાં એને પણ ઘસડી જાય
ધીરે-ધીરે એ તો કાબૂમાં આવશે, પછી એ કહ્યું કરતું થાય
ધીમે-ધીમે પ્રભુ પ્રેમમાં વાળજો, પ્રેમરસ પાજો એને સદાય
સાચો એ પ્રેમરસ ચાખશે જ્યાં, પછી ત્યાંથી એ નહીં હટી જાય
સદ્દગુરુ દેવેન્દ્ર ઘીયા (કાકા)