માડી તારા જાદુની, તારી શક્તિની બરોબરી નવ થાય
નાના અમથા બીજમાંથી માડી, મોટું વટવૃક્ષ સરજાય
તારા જળની જારી ના દેખાય, તોય ધરતી જળથી ભીંજાય
ધરતીમાં નાખતાં એક બીજ, અનેક કરી પાછાં દઈ જાય
એક જ ધરતીમાંથી સત્વ લઈ, પાણી પી જગે અનેક ઝાડ
તોય એમાં વિવિધતા ભરી, એકબીજાથી જુદા દેખાય
યુગોથી સૂર્યને જલતો રાખ્યો, યુગોથી દેતો એ પ્રકાશ
ઈંધણ પૂર્યું યુગોથી કેટલું, હિસાબ હજી એનો નવ થાય
યુગોથી સૂર્ય-ચંદ્ર-તારાને, અવકાશે તેં ફરતા રાખ્યા
કોઈ-કોઈથી હજી નવ અથડાય, તોય તારો દોર ના દેખાય
એક જ બુંદમાંથી માનવ સર્જ્યો, એ જ બુંદ એમાં સમાય
તું તો રહી આ સર્વે લીલાની કર્તા, તોય તું ના દેખાય
સદ્દગુરુ દેવેન્દ્ર ઘીયા (કાકા)