અનેક ધરતીકંપોને જીરવતું ને જીરવતું, જીવનમાં દિલ ધબકતું જાય છે
જાગે ધરતીકંપ ક્રોધનો દિલમાં, જીવનને એમાં એ ધ્રુજાવતું જાય છે
થાય જીવનમાં બોલાચાલી ને તડાફડી, જીવનને એ કંપાવતું જાય છે
છાશવારે આવે નિરાશાના આંચકા, જીવનને એ હલબલાવી જાય છે
ઇચ્છાઓ ને ઇચ્છાઓ ધ્રુજાવતું શું, જીવનને ના સ્થિર એમાં રહેવાય છે
ઈર્ષ્યાની આછીઆછી ધ્રુજારી, ધ્રુજાવે જીવનને, કંપ એના અનુભવતું જાય છે
લોભલાલચનો ફાટે જ્વાળામુખી, જીવનને ખેદાનમેદાન કરી એ જાય છે
વિચારોના વંટોળો ઊઠે જીવનમાં, જીવનને તો એ હચમચાવી જાય છે
કંપન અનુભવતું વહે જીવન, ધીરજમાંથી વરાળ નીકળી જાય છે
આવા અનેક ધરતીકંપો કરી સહન, દિલ જગમાં જીવન જીવતું જાય છે
સદ્દગુરુ દેવેન્દ્ર ઘીયા (કાકા)