બેકાબૂ છે વિચારો તારા, બેકાબૂ છે મનડું તારું
જીવનની આવી સ્થિતિ તારી, તને શું સૂચવે છે
ઉપાધિ વિનાનો દિન ના ઊગ્યો, ચિંતા વિનાની ના વીતી રાત
પ્રેમનો કક્કો ઘૂંટતા ઘૂંટતા, વીતી ગયો જન્મારો
શાંત ચિત્તે કરજે વિચાર, દેખાશે એમાં દોષ તને તારો
મંઝિલ વિનાની દોડધામ રાખી, હાથમાં ના આવ્યું કાંઈ
શાંત ચિત્તે માંડ્યો સરવાળો, કુલડીમાં ગોળ ભાંગ્યો
સુખદુઃખની દોડધામમાં, કરવા જેવું તો તું ચૂક્યો
પ્રભુમસ્તીમાં મસ્ત રહેવાને બદલે, માયાની મસ્તીમાં રગદોળાયો
કોઈ વાતમાં રહ્યો ના કાબૂ, બેકાબૂ ને બેકાબૂ બનતો ગયો
સદ્દગુરુ દેવેન્દ્ર ઘીયા (કાકા)