તું શું કરશે, શું ના કરશે, માડી એ સમજાતું નથી
મનનો મૂંઝારો વધતો રહે, મૂંઝારો મારો છૂટતો નથી
મનડું મારું છે નિર્બળ, નબળી વાત એ છોડતું નથી
શક્તિનું બિંદુ તારું પાજે માડી, બીજો કોઈ ઇલાજ નથી
આદત પડી છે જન્મોજનમની, ધીરજ હવે રહેતી નથી
કરુણા કરી ધરજે હૈયે વાત મારી, બીજી વાત મારે કહેવી નથી
જગમાં ફરી-ફરી થાક્યો, થાક મારો દૂર થાતો નથી
કૃપા કરી જો તું દેશે દવા, બીજી દવાની જરૂર રહેતી નથી
આવ્યો છું હવે જ્યાં તારી પાસે, બીજું હવે પૂછતી નહીં
હાથ મૂકી માથે માડી, આશિષ દેજે તારા, નિરાશ તું કરતી નહીં
સદ્દગુરુ દેવેન્દ્ર ઘીયા (કાકા)