કરતી લીલા તું તો એવી માડી, જે સમજી ના સમજાય
લીલામાં પડી તું ભુલાતી, મુખ તારું જોતાં લીલા પણ વિસરાય
આશા-નિરાશા હૈયાને જકડે, જકડી રાખે એ તો સદાય
તારા મુખનું દર્શન કરતાં, માડી એ તો છૂટી જાય
સુખદુઃખ તો રહેતાં સદાય સાથે, ભૂલ્યાં ના ભુલાય
તારા મુખનું દર્શન કરતાં માડી, એ તો વીસરી જવાય
કામ-ક્રોધ હૈયે જાગે જ્યારે માડી, હૈયામાં ઊથલપાથલ થાય
તારા મુખનું દર્શન કરતાં માડી, એ તો શાંત બની જાય
હૈયું મારું લોભી છે માડી, એ તો ક્યાં ને ક્યાં તણાય
તારા મુખનું દર્શન કરતાં માડી, એ તો રાજી-રાજી થાય
મનડું તુજ નામનું રટણ કરતું માડી, તોય ક્યાંનુ ક્યાં જાય
તારા મુખનું દર્શન કરતાં માડી, એ ભાવમાં ડૂબી જાય
સદ્દગુરુ દેવેન્દ્ર ઘીયા (કાકા)