અંકુશ વિનાનો હાથી ને લગામ વિનાની ઘોડી
હોયે ભલે એ સુંદર, તોય એ શા કામની
થાળ ભર્યો હોય પકવાનનો, જો એમાં ઝેર ભળી જાય
ભૂખ લાગી ભલે હોય ઘણી, તોય એ શા કામના
લક્ષ્મી ભેગી કરી હોય ઘણી, ગણતાં થાકી જવાય
અણી વખતે જો કામ ન લાગે, તોય એ શા કામની
સરોવર હોય મોટું ને વળી સુંદર ને સોહામણું
પાણીનું ટીપું પણ જો એમાં ના હોય, તો એ શા કામનું
મુસાફરી હોય લાંબી, વળી સાથે ગાડી હોય સુંદર
મશીન એનું જો ચાલે નહીં, તો એ શા કામની
મુલાકાત થાય લાંબી, વળી કલાકોના કલાકો જાય
મુદ્દાની વાત જો રહી જાય, તો એ શા કામની
દિલથી દિલ મળતાં જાગે ભાવ, ભાવ વિના હૈયું ન હોય
હૈયે જો પ્રભુ ભાવ ન જાગે, તો હૈયું એ શા કામનું
શરીર મળ્યું હોય સુંદર, વળી બુદ્ધિ પણ ભારોભાર
પણ મુખથી હરિનામ ના લે, તો એ શા કામનું
સદ્દગુરુ શ્રી દેવેન્દ્ર ઘીયા (કાકા)