એક નારીનાં રૂપ અનેક, દૃષ્ટિ જુદીથી જુદાં દેખાય
બાળકો એમાં મા ને નીરખે, નિજ પુરુષને પ્રેયસી દેખાય
મા-બાપ એમાં પુત્રી દેખે, વીરાને વહાલસોયી બેનડી દેખાય
એક નારીનાં રૂપ અનેક, દૃષ્ટિ જુદીથી જુદાં દેખાય
સોનાનાં રૂપ અનેક, ઘાટે-ઘાટે નામ એનાં બદલાય
સોની તો એની કિંમત કરશે, જેટલું સોનું એમાં સમાય
નીર હોય કૂવા, નદી કે સરોવરનું, ભલે જુદું એ દેખાય
તરસ્યો પીએ જળ જો એનું, એકસરખી એની પ્યાસ બુઝાય
એક પ્રભુના રસ્તા અનેક, ભલે એ જુદા-જુદા દેખાય
ગમે તે એક રસ્તો લેજો, જરૂર એ રસ્તેથી પ્રભુ મળી જાય
પ્રભુ વસ્યો અણુ-અણુમાં, જુદા-જુદા રૂપે જુદો દેખાય
દૃષ્ટિમાંથી ભેદ હટતા, એનું સાચું રૂપ તો દેખાય
સદ્દગુરુ દેવેન્દ્ર ઘીયા (કાકા)