જે ગમ્યું તને, કે તારા મનને, તારા હૈયાંને તો એ ક્યાંથી ગમશે
સ્વીકાર્યું નથી જે તારા હૈયાંએ, અમલમાં તો એ ક્યાંથી રે મૂકશે
મનના તીર જો હૈયાંને વીંધી જાશે, અંતરમાં અંતર, એ તો પાડી જાશે
મન ને હૈયાંના સુમેળ સાધ્યા વિના, તું જીવનમાં અટવાતોને અટવાતો રહેશે
મન ને હૈયાંમાં રહેશે પડતાં જો ભેદ, જીવનમાં ના ત્યાં કાંઈ તો વળશે
મન છે તર્ક બુદ્ધિનું સ્થાન, છે હૈયું તો ભાવનું સ્થાન, સમજીને ચાલવું પડશે
દઈ તર્ક ને બુદ્ધિને મહત્ત્વ ઝાઝું, હૈયાંને જીવનમાં તો તું દુઃખી કરશે
છે બંને એ તો તારા અતૂટ સાથી, સાથેને સાથે એને રાખવા પડશે
પ્રેમ વિના ના હૈયું તો રીઝે, તર્ક વિના ના મનડું સમજે, ધ્યાનમાં આ તું લેજે
નિર્ણય તારો તો તું લેશે, મનડાંને ને હૈયાંને એમાં તું સાથેને સાથે રાખજે
સદ્દગુરુ દેવેન્દ્ર ઘીયા (કાકા)