શેઠની શિખામણ ઝાંપા સુધી, જીવનમાં આમને આમ સહુ વરતતા જાય
સલાહ સૂચનોનો તો ઢગ ભેગો કરી, પાછા હતા એવાંને એવાં તો રહી જાય
પ્રવચનોને શાસ્ત્રો વાંચી, જગની અસારતા સમજી, પાછા સંસારમાં ડૂબતા જાય
સમજે ના ઝાઝું, જાણે સમજ્યા બધું, જીવનમાં આમને આમ એ તો કરતા જાય
બંને કાનનો ઉપયોગ કરે પૂરાં, એક કાનેથી સાંભળી, બીજા કાનેથી એ તો કાઢતાં જાય
ઉતારે ના એ તો કાંઈ હૈયાંમાં, હૈયું એનું તો ખાલીને ખાલી તો રહી જાય
હિતઅહિતના વિચાર કર્યા વિના, શિખામણને તો જીવનમાં નેવે મુકતાં જાય
આચરણ વિનાના એવા એ તો કાચા ઘડા, ભરો ભરો પાણી, પાણી નીકળી જાય
પહોંચે ના કાંઈ એના અંતર સુધી, જીવન એનું એવું ખાલીને ખાલી રહી જાય
ઉતારે ને ઉતારે જો શિખામણ પૂરી, પહોંચવાનું છે જ્યાં, તો ત્યાં એ પહોંચી જાય
સદ્દગુરુ દેવેન્દ્ર ઘીયા (કાકા)