જે હોડી ના તરી શકે, એ હોડીમાં બેસી, સામે પાર કેમ કરીને જવાશે
જે હોડીમાં પડયા હોય છેદ ઘણાં, એ હોડીમાં કેમ કરીને બેસી શકાશે
જે હોડીમાં ના હશે કોઈ નાવિક, એ હોડી તો કેમ કરીને પાર લઈ જાશે
જે હોડી તો હાલકડોલક થાય, એ હોડી સહીસલામત કેમ પહોંચાડશે
જે હોડીમાં ભર્યો હશે ગજાબહારનો માલ, હોડી એ તો ડૂબ્યા વિના ના રહેશે
જે હોડી વંટોળિયામાં જાય અટવાઈ, એ હોડી કેમ કરી સામે પાર પહોંચાડશે
જે હોડી હશે ખખડધજ, એ હોડી તો જીંક પાણીની કેમ કરીને ઝીલી શકશે
જે હોડી રહી શકશે તરતી ને તરતી, આશા એમાં એની તો રાખી શકાશે
જે હોડી હશે તારા હાથવેંતમાં, એજ હોડી તને તો કામ લાગશે
જે હોડી તને પાર ઉતારે, એ હોડીને જીવનમાં, તું તારી ને તારી ગણજે
સદ્દગુરુ દેવેન્દ્ર ઘીયા (કાકા)