ભુલાશે જીવનમાં ભલે એ તો બધું, જીવનમાં આ તો ભુલાશે નહીં
થાશે વાંદરો ભલે રે ઘરડો, ગુલાંટ મારવી એ તો ભૂલશે નહીં
હશેને ભલે લાગે શાંત તો કૂતરો, સમય પર ઘૂરકવું એ તો ભૂલશે નહીં
પુરાયેલો હશે કે હશે છૂટો સિંહ વનમાં, ત્રાડ નાંખવી એ તો ભૂલશે નહીં
હશે પુરાયેલી કે વિહરતી વનમાં રે કોયલ, ટહુકવું જીવનમાં એ તો ભૂલશે નહીં
આવે આપત્તિ ભલે રે જીવનમાં, ભલો જીવનમાં ભલાઈ કરવું તો ભૂલશે નહીં
હશે પરિસ્થિતિ જીવનમાં ગમે તેવી, ખાનદાન, ખાનદાની તો ભૂલશે નહીં
લાગશે ભોળો ભલો, ભલે રે જીવનમાં, ચોર ચોરી કરવી તો ભૂલશે નહીં
ડંખીલો લાગે ભલે રે સીધો, ડંખ મારવો જીવનમાં એ તો ભૂલશે નહીં
છે ખેલ બધા આ વૃત્તિઓના જીવનમાં, વૃત્તિઓ કરાવ્યા વિના રહેશે નહીં
સદ્દગુરુ દેવેન્દ્ર ઘીયા (કાકા)