સુખનો સાગર ડહોળવા આવશે સહુ પાસે, દુઃખના ડુંગર નથી કોઈ સાથે ચડવાનું
ભૂલ્યા ભટક્યા ફરશો વનમાં તો એકલા, કોઈ ચકલું પણ સાથે ના આવશે
માલમલીદામાં હાથ મારવા સહુ આવશે, કડવા ઘૂંટડા તો એકલા પીવા પડશે
દુઃખદર્દના ઊંહકારા પડશે કાઢવા એકલા, સાથ નથી કોઈ એમાં આપવાનું
શીતળ છાંયડામાં રહેશે સહુ સાથે, ભરતાપમાં નથી કોઈ સાથે તો ચાલવાનું
ભરવરસાદે ખોલશે છત્રી સહુ પોતાની, નથી છત્રી કોઈ તને એની ધરવાનું
અશક્તને જગમાં સહુ કોઈ તો પીડવાનું, શક્તિશાળી સાથે બાથ નથી કોઈ ભીડવાનું
પવન સામે પડશે સહુએ તો નમવું, કરી સામનો, પડી જાશે તો ઊખડી જાવું
ભાગ્ય તારું પડશે તારે ભોગવવું, તારાં કર્મો વિના, નથી હાથ કોઈ એમાં દેવાનું
વહેલું કે મોડું છે જે થવાનું, છોડ વિચાર એ તો, નથી કાંઈ તારું એમાં વળવાનું
સદ્દગુરુ દેવેન્દ્ર ઘીયા (કાકા)