એક પહાડનો પથ્થર, પહાડને ના વળગીને રહી શક્યો
અસ્તિત્વ મહાલવા અલગ પોતાનું જ્યાં, પહાડથી અલગ બની ગયો
જાળવી ના શક્યો, વર્ષાના મારમાં ને તોફાનમાં, સ્થિરતા પોતાની
પહાડ પરથી નીચે ને નીચે તો એ, ગબડતો ને ગબડતો ગયો
હતું અભિમાન જ્યાં એને પોતાનું, પહાડની સંગ ના રહી શક્યો
ફેંકાતો ને ગબડતો ગયો, ઘા અને ઘસરકા સહન એ કરતો ગયો
ઘસાતા ઘસાતા એ તો, નાનો ને નાનો, એ થાતો ને થાતો ગયો
થાતાં નાનો ને નાનો કંઈકના પગના નીચે, એ છૂંદાતો ગયો, કચડાતો ગયો
થાતાં નાનો બની ગયો એ કાંકરા, કાંકરીમાંથી ધૂળ એ બની ગયો
છે અંજામ તો આવા, હું ના અસ્તિત્વ, પ્રભુના પહાડથી છૂટો પડી ગયો
સદ્દગુરુ દેવેન્દ્ર ઘીયા (કાકા)