સમજ મનવા રે તું જરા જગમાં, નથી કોઈ કોઈનું થયું કે નથી થવાનું
છે શ્વાસ જ્યાં સુધી તનમાં, આસપાસ રહેવાનું, છૂટયા નથી પાસે કોઈ ફરકવાનું
હતી ત્યારે હામાં હા ભણનારા ગયા, પછી તારી હાને તો ભૂલવાના
ભૂલશે જગમાં જલદી સહુ કોઈ તને, ના તારી ભૂલને જલદી ભૂલવાના
મળ્યું જે જગમાં, રહ્યું ના હાથમાં સાથે, નથી સાથે તો કોઈ આવવાનું
તનડાની સગાઈ રહેશે સ્મશાન સુધી, તનને જલાવી, સહુ પાછું ફરવાનું
જનમભર કરી કોશિશો, સહુને રાજી રાખવા, તારી યાદમાં પડશે રડવાનું
જાળવવા યાદ તારી, ટાંગશે તને ખીંટીએ, પડશે ખીંટીએ તારે લટકવાનું
લોભલાલચે રહેશે સહુ સાથે, ટકરાતા સ્થાઈ નથી કોઈ સાથે રહેવાનું
શ્વાસોને ગણ્યા તેં તારા, છૂટયા એ પણ, નથી શ્વાસ પણ સાથ આપવાનું
સદ્દગુરુ દેવેન્દ્ર ઘીયા (કાકા)