કરું કે ના કરું, કરું તો શું કરું, રહ્યો છું મૂંઝાતો એમાં હું શું કરું
અનિર્ણીત ને અનિર્ણીત રહ્યો એમાં ને એમાં, ના કાંઈ એમાં હું કરી શકું
આવ્યા વિચારો, લાગ્યા સાચા, ફરી ખોટાં અમલ એનો હું તો કેમ કરું
અમલ વિનાનો રહીને એમાં ને એમાં, જીવનમાં દુઃખી ને દુઃખી હું તો ફરું
હિંમત વિનાનો રહી રહીને રે હૈયે, અમલ કરું તો હું ક્યાંથી કરું
અમલ વિના બદલાય ના કાંઈ સ્થિતિ, મૂંઝાતો ને મૂંઝાતો હું તો રહું
મળ્યું ના કાંઈ એમાં તો જગમાં, ખાલી ને ખાલી જગમાં હું તો એથી રહું
શું કરું ને શું કરું, રહ્યું એ તો ઊભું, જોઈ રહી છે રાહ, કાંઈ હું તો કરું
લઈ લઈ નિર્ણય, જ્યાં કાંઈ ના કરું, મૂંઝાતો ને મૂંઝાતો ત્યાં હું તો ફરું
પ્રભુ શક્તિ દે હવે તો મને, જે કાંઈ કરું પ્રભુ, હું એ તો યોગ્ય કરું
સદ્દગુરુ દેવેન્દ્ર ઘીયા (કાકા)