કયા મોજાની રે, કરીશ તું ચિંતા રે, જ્યાં એક જાશે ને બીજું આવશે
છે રે, સંસાર તો એક સાગર, મોજા એમાં ઊછળતાંને ઊછળતાં જાશે રે
ઊછળતાં ને ઊછળતાં રહેશે એમાં રે, અનેકને અનેક તો મોજા રે
ઊછળી ઊછળી મારશે ઝાપટ એ તો એની રે, ભીના થવાની તૈયારી એમાં રાખજે
હરેક દિશામાંથી રહેશે એ તો ઊછળતા, કઈ દિશામાંથી ઊછળશે ના સમજાશે
ઊછળશે કંઈક એવા ઊંચા રે, સૂઝવા ના દેશે તને એ તો એમાં જરાયે
હરેક મોજું રહેશે તને રે તાણતું, પડશે મુસીબત એમાં સ્થિર રહેવાની રે
ડૂબવું ના હશે જો એમાં રે તારે, પડશે શીખવી કળા તારે એમાં તરવાની રે
મૂકી દેજે હાથ તું તારાથી છૂટા, હળવો થઈ તરી શકીશ પ્રભુના સહારે રે
શીખી લઈશ કળા જ્યાં તું તરવાની રે, રહેશે ના ચિંતા ત્યાં કોઈ મોજાની રે
સદ્દગુરુ દેવેન્દ્ર ઘીયા (કાકા)