કરતો ના રે તું આવો રે વિચાર, તને રોકવાવાળું કોઈ નથી, તારું જોવાવાળું કોઈ નથી
પરમસત્તાધીશ રાખી રહ્યાં છે નજર જગ ઉપર, નજર બહાર રહેવા દેવાનો નથી
જઈશ જઈશ જ્યાંને જ્યાં, રહી સાથે, નજર બહાર તને એ રહેવા દેવાનો નથી
તારા કર્મોના તાંતણા નીકળવા નહીં દે, કર્મોની બહાર સાથે હોવા છતાં મળવા દેવાના નથી
અભિમાન ને અહંના પરપોટા જાગ્યા જ્યાં હૈયે, વિચાર ખોટા કરાવ્યા વિના રહેવાના નથી
ઊછળી ઊછળી પરપોટા એ, આવીને ઉપર, જીવનમાં એ ફૂટયા વિના રહેવાના નથી
ખોટા વિચારને જકડી રાખીશ, નવા વિચારો હવે દૂર રહ્યાં વિના રહેવાના નથી
વાઘને કહેશે ના કોઈ ગંધાય છે મુખડું તારું, તોયે ગંધાયા વિના એ રહેવાનું નથી
જાગતા રહેશે જ્યાં આવા ને આવા વિચારો, હાની કર્યા વિના એ રહેવાના નથી
રહેશે એમાં સહુ તારાથી દૂરને દૂર, અન્યને જલદી અપનાવી શકવાનો નથી
સદ્દગુરુ દેવેન્દ્ર ઘીયા (કાકા)