કરતોને કરતો જીવનમાં તો બધું જાઉં છું, પછડાટ ખાતો જાઉં છું
સમજાતું નથી રે જીવનમાં રે, ક્યાં અને કેમ, હું તો અટવાતો જાઉં છું
પગલાંને પગલાં ભરતો જાઉં છું, જીવનમાં પાછળ હટતો જાઉં છું
ઘોર અંધકારમાંથી, નીકળવા બહાર કોશિશ કરતો જાઉં, ઘોર અંધકારમાં ઘેરાઈ જાઉં છું
શાંતિની શોધમાં પ્રવૃત્ત થાતો જાઉં છું, અશાંતિમાં પ્રવેશ પામતો હું તો જાઉં છું
કરું છું કોશિશ નાથવા ભાવોને, ભાવોને ભાવોમાં તણાતો હું તો જાઉં છું
સફળતાની સફરે નીકળ્યો છું જીવનમાં, નિષ્ફળતા પામતો ને પામતો હું તો જાઉં છું
કરી કોશિશો ખંખેરવા દુઃખ દર્દને હૈયેથી, દુઃખ દર્દને હૈયે વળગાડતો જાઉં છું
મનની ગૂંચો ઉકેલવા બેઠો, નવી ને નવી ગૂંચો, ઊભી હું તો કરતો જાઉં છું
સદ્દગુરુ દેવેન્દ્ર ઘીયા (કાકા)