વધારો વધારો વધારો કરવો હતો, ઘણી ઘણી ચીજોનો વધારો
કરવા ચાહ્યો વધારો મેં તો જેનો જેનો, ના વધારો એનો કરી શક્યો
કરવો હતો જ્યાં જ્ઞાનનો વધારો, કરી બેઠો અજ્ઞાનનો રે વધારો
કરવો હતો જીવનમાં પ્યારનો વધારો, કરી બેઠો વેરનો તો હું વધારો
કરવો હતો ધ્યાનના આનંદનો વધારો, કર્યો ધ્યાનના સમયમાં વધારો
પ્રભુ પાસે માંગે છે સહુ કોઈ તો, કરો મારા સુખમાં તો વધારો
રહ્યો છે ધારો જગમાં, માંગે છે વધારો, કહે ના પ્રભુને, મને તો સુધારો
સદ્ગુણોનો કરવો હતો જીવનમાં વધારો, દુર્ગુણોનો થાતો રહ્યો વધારો
માંગે ના કોઈ દુઃખમાં તો વધારો, થાતો રહે છે તોયે દુઃખમાં વધારો
જોઈએ છે પ્રભુ જીવનમાં સદા તો, તારી ભક્તિને ભક્તિમાં તો વધારો
સદ્દગુરુ દેવેન્દ્ર ઘીયા (કાકા)