કૂતરાની પૂંછડી રહેતી વાંકી, વાંકી ને વાંકી એ તો રહેશે
લાખ યત્ને બાંધશો એને, મોકે ફરી પાછી એ વાંકી થાશે
વડનું બીજ લાગે નાનું, સંજોગ મળતાં એ તો વિસ્તરશે
મીઠાનો કણ હશે ભલે નાનો, દૂધ એ તો ફાડી નાખશે
મનડાંને બાંધશો ઘણું, ફરી ભાગવા એ યત્ન કરશે
રોજ રોજ યત્ન કરતા, ધીરે ધીરે સ્થિર થાવા લાગશે
પાપ રોજ આચરતા, પાપનો ઢગ ખડકાઈ જાશે
પુણ્યનો સંચય કરતા કરતા, મનડું સાફ થાતું જાશે
નિત્ય સમયે, નિત્ય પૂજન કરતા, મનને આદત પડશે
સમય એનો થાતાં, એ તો પૂજન કરવા દોડી જાશે
નિયમ ભલે લાગે એ નાના, ઘણું એ બળ પૂરી જાશે
નિયમમાં આળસ ના કરતા, મનને નિયમિત રાખશે
સદ્દગુરુ દેવેન્દ્ર ઘીયા (કાકા)