નાક તારું લાંબુ ન કર એટલું, આડું ન આવે નમ્ર બનવામાં
પગ તારા કરજે મજબૂત એટલા, `મા’ ના દ્વારે સદા પહોંચવામાં
હાથ તારા લાંબા કરજે તું એટલા, સંકોચાય ના દાન દેવામાં
મુખ તારું રાખજે સદા તૈયાર, નામ, `મા’ નું સદા લેવામાં
દૃષ્ટિ તારી સદા શુદ્ધ કરજે, જગમાં, `મા’ ને નીરખવામાં
હૈયું તારું રાખજે મજબૂત, આફતો સામે લડવામાં
અહં તારો રાખજે ન એટલો, અન્યને તુચ્છ ગણવામાં
મનને તું નાથજે એટલું, આડું ન આવે, `મા’ નું શરણું લેવામાં
હૈયામાં તું અભિમાન ન કરજે, અન્યને સહાય કરવામાં
ચૂકજે ન મોકા કદી આ જગમાં, `મા’ ના દર્શન કરવામાં
સદ્દગુરુ દેવેન્દ્ર ઘીયા (કાકા)