સ્વર્ગ ને નર્ક જગમાં, વસ્યા છે તારા મનમાં જરૂર
કર્મો કરજે તું એવાં, સ્વર્ગ રહે ના તુજથી દૂર
પાપ આચરતા અચકાયો નથી, પીડશે તને એ જરૂર
પીડા એની જાગશે હૈયે જ્યાં, સ્વર્ગ રહેશે તુજથી દૂર
ક્રોધ હૈયે જાગશે જ્યાં, જલાવશે એ અન્યને પણ જરૂર
તું પણ રહેશે હૈયે જલતો, સ્વર્ગ રહેશે તો તુજથી દૂર
કામ પીડશે હૈયે જ્યાં, જલાવી રહેશે તને જરૂર
વિવેક હૈયે જો જાગશે નહિ, સ્વર્ગ રહેશે તુજથી દૂર
લોભ-લાલચ વિંટળાશે હૈયે જ્યાં, શાંતિ હરશે જરૂર
ગફલત રહેશે એમાં જ્યાં, સ્વર્ગ રહેશે તુજથી દૂર
મોહમાં ડૂબશે હૈયું જ્યાં, દિશા સૂઝશે નહિ જરૂર
આળસમાં લપટાતો રહેશે, સ્વર્ગ રહેશે તુજથી દૂર
ધિક્કાર હૈયેથી છૂટશે નહિ જ્યાં, પ્રેમથી વંચિત થાશે જરૂર
ચેન પડશે નહિ હૈયે ત્યાં, સ્વર્ગ રહેશે તુજથી દૂર
દૂર બધું તું કરતો જાશે, એક દિવસ દૂર થાશે જરૂર
સંતોષ, શાંતિ હૈયે આવી વસશે, સ્વર્ગ રહેશે ના તુજથી દૂર
સદ્દગુરુ દેવેન્દ્ર ઘીયા (કાકા)