ઉષા ને સંધ્યા છે પુત્રી તો બંને સૂર્યદેવની
યુગો યુગોથી ઝંખે મિલન, થાયે ના એ તો કદી
છે કિરણોમાં સામ્ય ઘણું, મળવાનું તો કદી ના બન્યું
જગથી રહી પરિચિત, અન્યોઅન્યથી રહી અજાણી
રહી એક તો સદા, રાત્રિના આગમનની છડી પોકારી
બીજી તો રહી છે સદા પુકારી, છડી રાત્રિના વિદાયની
બંનેએ સાગર સાથે પ્રીત બાંધી, તોય રહી બંને અજાણી
રજનીની તો રહી સાથી, મેળાપ બંને તો કદી ના પામી
પ્રતાપી પિતાની તો પુત્રી, સાગર જેવાની તો પ્રેયસી
કર્મની કેવી છે કઠણાઈ, ના મળે કે મળશે દર્શન ક્યાંય
છેડો ના છોડે રજનીનો મેળાપ ના થાયે ક્યાંય
યુગો યુગોથી ઝંખે મેળાપ, મેળાપ હજી તો ન થાય
સદ્દગુરુ દેવેન્દ્ર ઘીયા (કાકા)