નિર્ણય તારો લેવા દેજે, પ્રભુને નિર્ણય તારો લેવા દેજે
અમાપ એવી એની બુદ્ધિથી, સંજોગ તારા જોખવા દેજે – નિર્ણય…
લાગણીથી તું તો તોલશે એને, નિર્ગુણને એ તોલવા દેજે – નિર્ણય…
જોખશે એ તો સદાયે સાચું, ભૂલ એમાં નવ થાવા દેશે – નિર્ણય…
ગૂંચવણોમાં ગૂંચવાઈ, વધુ ગૂંચ તું ના પડવા દેજે – નિર્ણય…
સીમિત તારી શક્તિ કરતા, અમાપ શક્તિ એ, સોંપી દેજે – નિર્ણય…
ના દ્વેષ છે એને કોઈથી, નિર્ણય સાચો એ તો લેશે – નિર્ણય…
અમાપ એવી છે દૃષ્ટિ એની, સમગ્ર એ તો દૃષ્ટિમાં લેશે – નિર્ણય…
સોંપી ફિકર, ના તું કરજે, એ તો સદા પાર ઉતારી દેશે – નિર્ણય…
નિર્ણયમાં ના કરજે શંકા, સદાય એ તારા હિતમાં હશે – નિર્ણય…
સદ્દગુરુ દેવેન્દ્ર ઘીયા (કાકા)