ખેલ ખેલ્યા સોનાના મૃગે ખૂબ, સતી સીતા પણ લલચાયા
રોક્યા લક્ષ્મણ જતિએ ખૂબ, રહ્યાં તોય એમાં એ ભરમાયા
આંકી રેખા લક્ષ્મણ જતિએ, એને પણ ગયા એ વિસરાયા
ઓળંગી રેખા સીતાએ જ્યાં, હાથમાં રાવણના એ સપડાયા
લીધો કબજો સોનામૃગે હૈયે, વિયોગ તો રામના લખાયા
જોઈ રાહ રાવણે, સીતાએ તો રેખા જ્યાં ઓળંગ્યા
રક્ષા તો થાતી રહી ભક્તિ કેરી સીતાની, રહી જ્યાં પ્રભુના સાથમાં
ભક્તિ લલચાઈ જ્યાં માયામાં, પ્રભુ હૈયેથી તો વિસરાયા
અસુર સદા હરવા ચાહે ભક્તિને, મળે વિયોગ પ્રભુના
ભક્તિ સંયમમાં રક્ષિત રહે, ઓળંગે ના રેખા સંયમમાં
લૂંટાશે સદા ભક્તિ, ઓળંગે જ્યાં દ્વાર સંયમના
વિયોગ સર્જાશે પ્રભુના, હાથમાં પડે જ્યાં એ અસુરના
સદ્દગુરુ દેવેન્દ્ર ઘીયા (કાકા)