ફૂલથીયે મૃદુ સ્પર્શ છે તારો, માડી
અણુ અણુ પ્રફુલ્લિત થઈ જાય
કોયલથી મધુર કંઠ છે તારો, માડી
સાંભળતા હૈયું તો ના ધરાય
આંખમાં છે મૃગથીયે નિર્દોષતા તારી માડી
પ્રેમથી નિહાળી રહે મને સદાય
મુખ પર વિલસે છે અનોખું હાસ્ય તારું માડી
હૈયું તો મારું આનંદે છલકાય
સુંદર કોમળ પગ તો છે તારા માડી
એ તો સદાયે ભક્તને દ્વારે જાય
સંભળાતા મધુર ઝણકાર ઝાંઝરનો તારો માડી
જીવન તો ધન્ય ધન્ય બની જાય
અનોખું રૂપ તો છે તારું માડી
અંગે અંગમાં તો નિર્મળતા વરતાય
નિરાકારે તો તું રહી છે સદાયે
ભક્ત કાજે સાકારે તું દેખાય
સદ્દગુરુ દેવેન્દ્ર ઘીયા (કાકા)