Hymn No. 777 | Date: 02-May-1987
|
|
Text Size |
 |
 |
પડતાં રહ્યાં છે ઘા તો જગમાં તારી કસોટીના ખરતા જાશે તો ખોટા, પાર ઉતરશે હશે જે સાચા માડી તારી કસોટીના, ઘા તો બાકી છે આકરા જરૂરિયાત ટાણે લઈ લેતી, હસવા ટાણે રડાવી દેતી સમજણમાં તો ન આવે, ક્યારે તું શું, તું શું કરતી માડી તારી કસોટીના, ઘા તો લાગે છે આકરા પોતાનાને પારકા કરતી, ગણતરી તો ઊંધી વાળી દેતી આશાને નિરાશામાં પલટી દેતી, હિંમત પર ઘા કરી લેતી માડી તારી કસોટીના, ઘા તો લાગે છે આકરા પડતા પર જગ પાટું મારે, જગમાં ધાર્યું તો નવ થાયે શાંતિના શ્વાસ અટકી જાયે, અશાંતિના શ્વાસ વધતા જાયે માડી તારી કસોટીના, ઘા તો લાગે છે આકરા રસ્તો જીવનમાં ના દેખાયે, અંધકાર તો છવાયે સમજ સાચી તો દૂર થાયે, ખોટી સમજમાં ડૂબી જાયે માડી તારી કસોટીના ઘા, તો લાગે છે આકરા કરીયે શું, ને શું થઈ જાયે, સાચું પણ ખોટામાં પલટાયું દેવને પણ દાનવ બનાવે, મતિ અમારી મૂંઝાઈ જાયે માડી તારી કસોટીના ઘા, તો લાગે છે આકરા ભમતું ચિત્ત તો ભમતું જાયે, સ્થિરતા દૂરની દૂર દેખાયે હૈયું તો વમળોમાં અટવાયે, પ્રકાશના દર્શન નવ થાયે માડી તારી કસોટીના ઘા, તો લાગે છે આકરા
સદ્દગુરુ દેવેન્દ્ર ઘીયા (કાકા)
|
|