કોઈ સૂવે સુખની નીંદર, કોઈ દુઃખના ડૂસકાં ભરે
જેવું જેનું ભાગ્ય જગતમાં, એવું એ તો લણે
કોઈ તંદુરસ્તીએ મહાલે, કોઈ રોગના શ્વાસો ભરે - જેવું જેનું...
કોઈ ભૂખે દિન વિતાવે, કોઈ દિનમાં સો વાર જમે - જેવું જેનું...
કોઈ અપમાને જિંદગી કાઢે, કોઈના બોલે જગત મરે - જેવું જેનું...
કોઈની જીભે તો ઝેર વસે, કોઈની જીભે મધ તો ઝરે - જેવું જેનું...
કોઈ આરામે જિંદગી વિતાવે, કોઈ મજૂરીએ તનડું તોડે - જેવું જેનું...
કોઈ ભણીને જ્ઞાન વધારે, કોઈ તો અજ્ઞાનમાં ડૂબે - જેવું જેનું...
કોઈ તો સુંદરતામાં નહાયે, કોઈ તો દીઠાં ના ગમે - જેવું જેનું...
કોઈને જોતાં વહાલ ઊપજે, કોઈને જોઈ ઘૃણા જન્મે - જેવું જેનું...
કોઈ તો પાપમાં ડૂબ્યો રહે, કોઈ તો પુણ્ય ભેગું કરે - જેવું જેનું...
કોઈ એકલવાયું જીવન જીવે, કોઈની પાસે ટોળું વળે - જેવું જેનું...
સદ્દગુરુ દેવેન્દ્ર ઘીયા (કાકા)