નથી દૂર તારાથી હું રહી શક્તો, નથી ભળી શક્યો હું તુજમાં
હાલત જોઈને આવી રે મારી, મહેર કરો મુજ પર ઓ મારા રે દાતા
કદી અનુભવું હું નજદીકતા તારી, કદી દેખાય દૂર તારા રે કિનારા
પામી ના શક્યો જે જાગૃતિમાં, આવ્યા એના મને મીઠા રે સપના
ગણું કે ના ગણું નબળાઈ એને હું મારી, છે જીવનની મારી આ સત્ય કહાની
છે હાલત જ્યાં આવી રે મારી, છે મારે એને સુધારવી, નથી કરી એની કોઈ તૈયારી
હાંકી જીવનમાં બડાશ મેં ભારી, સામનાની આવી છે તૈયારી, કરાવજે ના પીછેહઠ એમાંથી
વેડફી ગયો શક્તિ જીવનમાં ઘણી, થઈ ગઈ છે ખાલી શક્તિની થાળી
મારા કૃત્યોએ દીધો છે જીવનમાં મને પાડી, ઊભા કરવાની સ્વીકારજે જવાબદારી
નમવું ના હતું જીવનમાં જ્યાં મારે, કુદરતે દીધો જીવનમાં મને નમાવી
થાતા નથી સહન ઘા હૈયાંમાં આવા ભારી, દેજે મને એમાંથી ઉગારી
નથી કાંઈ નાજુક હું તો જીવનમાં, કુદરતે નાજુક દીધો મને બનાવી
ક્યારે જાણીને, ક્યારે અજાણતાં, કર્યા પાપો જીવનમાં ભારી
બતાવી રાહ એમાં સારી, લે હવે મને એમાંથી તું ઉગારી
સદ્દગુરુ દેવેન્દ્ર ઘીયા (કાકા)