તારા ગાણા ગાવામાંથી ઊંચો તું આવ્યો નથી, ગાણા પ્રભુના તું ક્યાંથી ગાવાનો
અસંતોષે રાખે હૈયું જલતુંને જલતું, જીવનમાં શાંતિ ક્યાંથી પામવાનો - ગાણા...
સાર માયાનો જ્યાં તું સમજ્યો નથી, પ્રભુને ક્યાંથી તું સમજવાનો - ગાણા..
પરમ ઉપકારીના ઉપકાર નજરમાં ના વસ્યા, ઉપકાર ક્યાંથી તું માનવાનો - ગાણા...
લોભલાલચના ખેંચાણ હૈયેથી હટયા નથી, દોડયા વિના એમાં તું ના રહેવાનો - ગાણા...
શ્રદ્ધાના છાંટણાં હૈયાંમાં તો જ્યાં છાંટયા નથી, સૂરો શંકાના ક્યાંથી છોડવાનો - ગાણા...
પ્રભુને તારા પોતાના કર્યા નથી, પ્રભુને પોતાના ક્યાંથી તું ગણવાનો - ગાણા...
નજરમાં પ્રભુને જ્યાં તેં વસાવ્યા નથી, જીવનમાં પ્રભુને ક્યાંથી તું જોવાનો - ગાણા...
રહ્યાં નડતાંને નડતાં તને તારાને તારા કર્મો, ખોટા કર્મો જો ના તું છોડવાનો - ગાણા...
રાખે મનને માયામાં તું ભમતું ને ભમતું, માયામાંથી ના તું છૂટવાનો - ગાણા...
સદ્દગુરુ દેવેન્દ્ર ઘીયા (કાકા)